શ્રી અરવિંદનું શિક્ષણ

યુટ્યુબ (YouTube) પર જોવા માટે: https://youtu.be/cXtCazKPMT0

શ્રી અરવિંદના શિક્ષણનો પ્રારંભ પ્રાચીન ભારતના ઋષિઓના દર્શનથી થાય છે કે બ્રહ્માંડના બાહ્ય દેખાવોની પાછળ એક અસ્તિત્વ અને ચેતનાની વાસ્તવિકતા છે, જે સર્વ વસ્તુઓનો એકમાત્ર અને શાશ્વત આત્મા છે. સર્વે જીવો આ આત્મા અને અસ્તિત્વમાં એક છે, પરંતુ ચેતનાની એક અલગીકરણની પ્રક્રિયાને કારણે વિભાજિત છે, મન, પ્રાણ અને દેહમાં તેમના સાચા આત્મા અને વાસ્તવિકતાથી તેઓ અજાણ છે. એક વિશિષ્ટ માનસશાસ્ત્રીય શિસ્ત દ્વારા આ ભિન્નતાની ચેતનાના આવરણને દૂર કરી અને આ સાચા આત્માનો, સર્વમાં અને સર્વત્ર આ દિવ્યતાનો અનુભવ કરી શકાય છે.

શ્રી અરવિંદનું શિક્ષણ કહે છે કે આ એકમાત્ર અસ્તિત્વ અને ચેતના ભૌતિક તત્વમાં નિહિત છે. ઉત્ક્રાંતિની પ્રક્રિયા દ્વારા તે નિજને મુક્ત કરે છે;  અચેતન પ્રતીત થતું હોય તેમાં ચેતના પ્રગટ થાય છે, અને એક વાર પ્રગટ થયા પછી તે અંતઃપ્રેરણાથી ઊંચાણો પ્રત્યે વૃદ્ધિ પામવા અને એ સાથે જ વધુને વધુ પૂર્ણતા પ્રતિ વિસ્તાર અને વિકાસ કરવા કાર્યરત હોય છે. જીવન આ ચેતનાની મુક્તિનું પ્રથમ પગલું છે; મન દ્વિતિય છે; પરંતુ ઉત્ક્રાંતિ મનની સાથે સમાપ્ત નથી થતી, તેને એક વિશાળતામાં મુક્તિની પ્રતિક્ષા છે, એક એવી ચેતનાની જે આધ્યાત્મિક અને અતિમાનસિક છે. ઉત્ક્રાંતિનું આગળનું પગલું સચેતન જીવમાં અતિમાનસ અને આત્માનું પ્રભુત્વ વિકસતું આવે તે દિશામાં લઈ જશે. કારણ કે ત્યારે જ જડ તત્વમાં સમાયેલી દિવ્યતા સ્વયંને સમગ્રપણે મુક્ત કરશે અને જીવન માટે પૂર્ણતાનો આવિર્ભાવ કરવાનું સંભવ બનશે.

પ્રકૃતિએ ઉત્ક્રાંતિના પૂર્વ શિખરો વૃક્ષ અને પ્રાણી જીવનમાં કોઈ સચેતન સંકલ્પ વિના સિદ્ધ કર્યા હતા, પરંતુ મનુષ્યમાં તે સચેતન સંકલ્પને સાધન બનાવીને ઉત્ક્રાંતિ સંભવ બનાવે છે. જોકે આ પૂર્ણ રીતે કરવા માટે માનવનો માનસિક સંકલ્પ અક્ષમ છે, કારણ કે મનની પહોંચ એક મર્યાદા સુધી જ હોય છે અને ત્યાર પછી તે એક વર્તુળમાં જ ઘૂમ્યા કરે છે. એક પરિવર્તન કરવું આવશ્યક છે, ચેતનાને એક વળાંક આપવાનો છે કે જેથી મનનું ઊર્ધ્વ તત્વમાં પરિવર્તન થઈ શકે. આ પ્રક્રિયા પ્રાચીન યોગની માનસશાસ્ત્રીય શિસ્ત અને તેના અભ્યાસ દ્વારા મળે છે. ભૂતકાળમાં આના દ્વારા વિશ્વથી દૂર થઈને આત્મા અથવા અસ્તિત્વની ઊંચાઈઓમાં લુપ્ત થવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શ્રી અરવિંદ શીખવે છે કે ઊર્ધ્વ તત્વનું અવતરણ કરી શકાય છે જે આધ્યાત્મિક જીવને માત્ર સંસારથી જ મુક્ત નહીં કરે, પરંતુ તેને સંસારમાં પણ મુક્ત કરશે, મનના અજ્ઞાન અથવા તેના મર્યાદિત જ્ઞાનને એક અતિમાનસિક સત્ય-ચેતનાથી બદલશે જે અંતરાત્માનું સક્ષમ સાધન બનશે અને માનવ માટે બાહ્ય જીવનમાં તેમજ આંતરવિશ્વમાં આત્મશોધ કરવાનું તેમજ તેની વર્તમાન પાશવી માનવતામાંથી એક દૈવી જાતિમાં વિકાસ કરવાનું શક્ય બનાવશે. યોગની મનોવૈજ્ઞાનિક સાધનાનો ઉપયોગ આ દિશામાં કરી શકાય છે. જે ઊર્ધ્વ અને ગૂઢ અતિમાનસ તત્વના અવતરણ અને તેના કાર્યથી સમગ્ર અસ્તિત્વને એક પરિવર્તન અથવા રૂપાંતર માટે તૈયાર કરી શકે છે.

જોકે, આ એક જ ક્ષણમાં, ટૂંક સમયમાં અથવા કોઈપણ ત્વરિત અથવા ચમત્કારિક રૂપાંતર દ્વારા ન કરી શકાય. અતિમાનસનું અવતરણ શક્ય બને તે પહેલાં સાધકે અનેક પગલાં ભરવા પડે છે. મનુષ્ય મુખ્યત્વે તેના બાહ્ય મન, પ્રાણ અને શરીરમાં જીવે છે પરંતુ તેની અંદર એક આંતરિક અસ્તિત્વ છે જેમાં મહાન સંભાવનાઓ છે અને જેના પ્રતિ તેણે જાગૃત થવાનું છે – કારણ કે વર્તમાનમાં તે તેમાંથી અત્યંત મર્યાદિત પ્રભાવ જ પ્રાપ્ત કરે છે જે તેને સતત વધારે અને વધારે સુંદરતા, સંવાદિતા, શક્તિ અને જ્ઞાનની શોધ તરફ ગતિ અર્પે છે. આ કારણે યોગની પ્રથમ પ્રક્રિયા આ આંતરિક અસ્તિત્વના ક્ષેત્રોને ખોલવાની અને ત્યાંથી બાહ્ય જીવન જીવવાની છે, એક આંતરિક પ્રકાશ અને શક્તિ દ્વારા તેના બાહ્ય જીવનને સંચાલિત કરવાની છે. આ પ્રક્રિયા દ્વારા તે નિજમાં તેના સાચા સ્વરૂપના સંપર્કમાં આવે છે જે આ મન, પ્રાણ અને દેહના તત્વોનું મિશ્રણ નથી પરંતું તેમની પાછળની વાસ્તવિકતા છે, જે દિવ્ય અગ્નિનો એક તણખો છે. તેણે તેના અંતરાત્મામાં રહેતા શીખવાનું છે અને જેની સત્ય પરત્વેની ગતિ દ્વારા બાકીની પ્રકૃતિને શુદ્ધ અને સત્ય-અભિમુખ કરવાની છે. ત્યાર પછી ઊર્ધ્વ પ્રતિ એક ગ્રહણશીલતા અને એક ઊર્ધ્વ તત્વનું અવતરણ આવી શકે છે. પરંતુ ત્યારે પણ સંપૂર્ણ અતિમાનસિક પ્રકાશ અને શક્તિ તાત્કાલિક જ નથી આવતાં. કારણ કે સામાન્ય માનવ મન અને અતિમાનસિક સત્ય-ચેતના વચ્ચે ચેતનાના ઘણા ક્ષેત્રો છે. આ મધ્યસ્થી સ્તરો ખોલવાના છે અને તેમની શક્તિને મન, જીવન અને શરીરમાં નીચે લાવવાની છે. માત્ર આ પછી જ પ્રકૃતિમાં સત્ય-ચેતનાની સંપૂર્ણ શક્તિ કાર્ય કરી શકે છે. આ કારણોથી આ આત્મશિસ્ત અથવા સાધનાની પ્રક્રિયા લાંબી અને અઘરી છે, પરંતુ તેની અંશમાત્ર સિદ્ધિ પણ અઢળક પ્રાપ્તિ સમાન છે કારણ કે તે અંતિમતમ મુક્તિ અને પૂર્ણતાને વધુ સંભવ બનાવે છે.

જૂની પ્રણાલીઓમાં એવું ઘણું છે જે માર્ગ માટે આવશ્યક છે: મનને વધુ વિશાળતા તેમજ આત્મા અને અનંતના અનુભવ પ્રત્યે ગ્રહણશીલ કરવું, જેને વૈશ્વિક ચેતના કહેવામાં આવે છે તેમાં આરોહણ, ઇચ્છાઓ અને આવેગો પર પ્રભુત્વ; બાહ્ય તપસ્યા આવશ્યક નથી, પરંતુ ઇચ્છા અને આસક્તિ પર વિજય અને શરીર અને તેની જરૂરિયાતો, લોભ અને વૃત્તિઓ પર નિયંત્રણ અનિવાર્ય છે. આમાં પ્રાચીન પ્રણાલીઓનો એક સમન્વય છે: જ્ઞાનનો માર્ગ જે વાસ્તવિકતા અને દેખાવના વિષયમાં માનસિક વિવેક કરે, હૃદયનો ભક્તિ, પ્રેમ અને સમર્પણનો માર્ગ અને કર્મમાર્ગ જે સંકલ્પને સ્વાર્થી હેતુઓથી સત્ય ભણી અને અહંકારનું અતિક્રમણ કરતી ઉચ્ચતર વાસ્તવિકતાની સેવા ભણી દોરે. કારણ કે સમગ્ર અસ્તિત્વને કેળવણી આપવાની છે જેથી જ્યારે તે મહાન પ્રકાશ અને શક્તિ માટે પ્રકૃતિમાં કાર્ય કરવાનું શક્ય બને ત્યારે તે પ્રતિભાવ આપી શકે અને રૂપાંતરિત થઈ શકે.

આ શિસ્તમાં, ગુરુની પ્રેરણા અને દુષ્કર સમયે તેમનું નિયંત્રણ અને સન્નિધિ અનિવાર્ય છે – કારણ કે અન્યથા આ માર્ગે કોઈ પણ પ્રકારની ભૂલ-ચૂક વિના પસાર થવું શક્ય જ નથી અને તે કારણે સફળતા અસંભવ બને છે. ગુરુ એ છે કે જેમણે એક ઊર્ધ્વ ચેતના અને અસ્તિત્વ સુધી આરોહણ કર્યું છે અને તેમને ઘણીવાર તેના અવતાર અથવા પ્રતિનિધિ તરીકે જોવામાં આવે છે. તેઓ તેમના શિક્ષણ દ્વારા અને તેથી પણ વધુ તેમના પ્રભાવ અને ઉદાહરણ દ્વારા અને સૌથી વધુ તો તેમના અનુભવને અન્ય લોકોને અર્પવાની શક્તિ દ્વારા સહાય કરે છે.

આ શ્રી અરવિંદનું શિક્ષણ અને અભ્યાસની પદ્ધતિ છે. તેમનું લક્ષ્ય કોઈ એક ધર્મનો વિકાસ કરવાનો કે જૂના ધર્મોને એકછત્રમાં લાવવાનો કે કોઈ નવો ધર્મ સ્થાપવાનો નથી, કારણ કે આમાંથી કોઈપણ પ્રવૃતિ તેમના મુખ્ય ધ્યેયથી દૂર લઈ જશે. તેમના યોગનો એકમાત્ર ઉદ્દેશ્ય આંતરિક આત્મ-વિકાસ છે જેના દ્વારા તેનું અનુસરણ કરનાર પ્રત્યેક વ્યક્તિ એક સમયે સર્વમાં અને સર્વે એક આત્માનો અનુભવ કરી શકે અને માનસિક ચેતનાથી ઉચ્ચ ચેતના, એક આધ્યાત્મિક અને અતિમાનસિક ચેતનાનો વિકાસ કરી શકે – જે માનવ પ્રકૃતિનું રૂપાંતર અને દૈવીકરણ કરશે.

~ શ્રી અરવિંદ

શિષ્યને પત્ર, ફેબ્રુઆરી 1934

CWSA ભાગ. ૩૬, આત્મકથાત્મક નોંધો, પૃષ્ઠ: ૫૪૭-૫૫૦

અનુવાદ: અશેષ જોશી, ઑરોવીલ

યુટ્યુબ (YouTube) પર જોવા માટે: https://youtu.be/cXtCazKPMT0